આ અમારું ઘર
આ અમારું ઘર છે ને એમાં એક રસોડું છે,
સૌથી વહેલું જાગે છે ને સૌને એ જગાડે છે.
આ અમારું ઘર છે અને એમાં બે બારી છે,
એકમાંથી સૂરજ આવે છે, બીજીમાંથી ભાગે છે.
આ અમારું ઘર છે ને એમાં મોટું આંગણું છે,
દિવસ આખો કલબલ કરતું રાતે ક્યારેક ભસે છે.
આ અમારું ઘર છે ને એમાં એક હીંચકો છે,
ઉપરનીચે થયા કરતો ગીતો ગાયા કરે છે.
ઘરમાં એક બેન છે ને એની સાથે કિટ્ટા છે,
રાતે બુચ્ચા થઈ જશે ને આ ઘર અમારું છે.
– અરવિંદ ભાંડારી
