હું મોટો !
એક વખત શરીરનાં બધાં અંગોનો ઝઘડો થયો. બધાં જ અંગો પોતપોતાને ‘હું મોટો, હું વધારે ઉપયોગી’ એમ કહી કહીને બરાડા પાડવા લાગ્યાં. કાન કહે, ‘“બધું જ સાંભળવાનું કામ હું કરું છું, તેથી હું મોટો.” નાક કહે, ‘‘સૂંઘવાનું કામ તો મારું છે, તેથી હું મોટો.’ આંખ કહે, ‘‘આ રંગબેરંગી દુનિયા મારાથી તો જોવાય છે, નહીંતર શું મજા આવે !
એટલે સૌથી મોટું અંગ તો હું છું.” મોઢું કહે, ‘‘બોલવાનું કામ મારું. મજા આવે કે તકલીફ પડે, હું કહું તો જ ખબર પડે ને! એટલે હું મોટું. વળી ખાવાનું કામ પણ મારું, પીવાનું કામ પણ મારું, જો ખવાય, પિવાય નહીં તો શરીર થોડું ચાલે ! એટલે હું જ મોટું.’ પેટ કહે, ખોરાક પચાવવાનું કામ મારું, ખોરાક પચે જ નહીં તો શક્તિ થોડી મળવાની ! તેથી મોટું હું.”
હાથ કહે, “કોઈ પણ કામ કરવું હોય તો મારો જ ઉપયોગ થાય છે. અરે ! ખાવા માટે પણ હું મોઢામાં કોળિયો મૂકું ત્યારે તો ખવાય છે ! લખવું હોય તો પણ હું જ કામનો, રસોઈ કરવામાં પણ હું જ, કપડાં ધોવામાં પણ હું. અરે ! દરેક કામ હું જ તો કરું છું, તેથી હું મોટો.” પગ કહે, ‘“હવે રહેવા દો બધાં. મારા આધારે તો ઊભાં છો બધાં. હું જ તો તમને આઘાં-પાછાં કરી શકું છું, તમારા કામની જગ્યાએ પણ હું જ લઈ જાઉં છું, ત્યારે જ કામ કરો છો ને ! માટે હું જ મોટો છું.” શરીરનાં બધાં જ અંગો આમ બોલતાં-બોલતાં ઝઘડી પડ્યાં.
સૌથી છેલ્લે મગજ બોલ્યું, “અરે ! હવે બધાં ચૂપ થાઓ અને મારી વાત સાંભળો, આખા શરીરને શું કરવાનું છે તેનો સંદેશો હું પહોંચાડું છું. મારા સંદેશા ઉપર તમે બધાં જ કામ કરો છો, પણ એનો મતલબ એ નથી કે હું એક જ ઉપયોગી. આ બધાં જ અંગો મળીને માણસનું શરીર બને છે. એક પણ અંગ ન હોય તોય શરીરને પૂર્ણ ન કહી શકીએ. માટે દરેક અંગને પોતપોતાનું એક ચોક્કસ કામ છે. શરીરનાં બધાં અંગો કામ કરે છે તેથી જ જીવનમાં મજા છે. તેથી આપણે બધાં જ સમાન છીએ અને બધાં જ ખૂબ ઉપયોગી છીએ, માટે હવે ફરીથી કોઈ આવો ઝઘડો ન કરતાં.” આ સાંભળી શરીરનાં બધાં જ અંગોને પોતાનું તેમજ બીજાનું મહત્ત્વ સમજાઈ ગયું. આમ, બધાં જ અંગો શાંત થઈ પોતપોતાનું કામ કરવા લાગ્યાં.