haji kasam tari vijali - હાજી કાસમ, તારી વીજળી | titanic - ટાઇટેનિક | The Gujarati Titanic | titanic ship | kasam tari

હાજી કાસમ, તારી વીજળી રે

By ysm_connect

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ.

ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઇ શે’ર.  કાસમ, તારી…
દેશપરદેશી માનવી આવ્યાં,જાય છે મુંબઇ શે’ર.  કાસમ, તારી…
દશબજે તો ટિકટું લીધી જાય છે મુંબઇ શે’ર.  કાસમ, તારી…

તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર.  કાસમ, તારી…
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા છોકરાંનો નૈ પાર.  કાસમ, તારી…

અગિયાર બજે આગબોટ હાંકી જાય છે મુંબઇ શે’ર.  કાસમ, તારી…
બાર બજે તો બરોબર ચડિયાં જાયછે મુંબઇ શે’ર.  કાસમ, તારી…

ઓતર દખણના વાયરા વાયા વાયરે ડોલ્યાં વા’ણ.  કાસમ, તારી…
મોટા સાહેબની આગબોટું મળિયું વીજને પાછી વાળ્ય.  કાસમ, તારી…

જહાજ તું તારું પાછું વાળ્યે રોગ તડાકો થાય.  કાસમ,તારી…
પાછી વાળું, મારી ભોમકા લાજે. અલ્લા માથે એમાન.  કાસમ, તારી…

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા. વીજને પાછી વાળ્ય.  કાસમ, તારી…
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય.  કાસમ, તારી…

ચહમાં માંડીને માલમી જોવે પાણીનો ના’વે પાર.  કાસમ, તારી…
કાચને કુંપે કાગદ લખે મોકલે મુંબઇ શે’ર.  કાસમ, તારી…

હિન્દુ મુસલમીન માનતા માને, પાંચમે ભાગે રાજ.  કાસમ, તારી…
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર.  કાસમ, તારી…

ફટ ભૂંડી તું વીજળી! મારાં, તેરસો માણસ જાય.  કાસમ, તારી…
વીજળી કે મારો વાંક્ક નૈ વીરા, લખિયલ છઠ્ઠીના લેખ.  કાસમ, તારી…
તેરસો માણસ સામટાં બૂડ્યાં, બૂડ્યા કેસરિયા વર.  કાસમ. તારી…

ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ.  કાસમ, તારી…
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ.  કાસમ, તારી…

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે જુએ જાનુંની વાટ.  કાસમ, તારી…
સોળસેં કન્યા ડુંગરે ચડી જુએ જાનુંની વાટ.  કાસમ, તારી…

દેશદેશથી તાર વછૂટ્યા વીજળી બૂડી જાય.  કાસમ, તારી…
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે ઘર ઘર રોણાં થાય.  કાસમ, તારી…

પીઠી ભરી તો લાડડી રુએ માંડવે ઊઠી આગ.  કાસમ, તારી…
સગું રુએ એનું સાગવી રુએ બેની રુએ બાર માસ.  કાસમ, તારી…

મોટાસાહેબે આગબોટું હાંકી પાણીનો ના’વે પાર.  કાસમ, તારી…
મોટા સાહેબે તાગ જ લીધા પાણીનો ના’વે પાર.  કાસમ, તારી…
સાબ મઢ્યમ બે દરિયો ડોળે પાણીનો ના’વે તાગ.  કાસમ, તારી…

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ.

1 Comment
  1. jaydeep 3 years ago
    Reply

    Waah mne to gujrati visay no class yaad aavi gyo 😍

Leave a Comment

Your email address will not be published.

You may also like