kavi narmad - કવિ નર્મદ | વીર નર્મદ - veer narmad | નર્મદાશંકર લાલશંકર દવે | gujarati kavi narmad | veer narmad university

નર્મદ

By EditorInChief

વીર કવિ નર્મદ નું પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. કદાચ જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે. તેમનો જન્મ  ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ માં જન્મ ગુજરાતના સુરતમાં થયો હતો. માતા : નવદુર્ગા, પિતા : લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય ) પત્ની : પ્રથમ – ગૌરી ( 1844, 11 વર્ષની વયે, 1853 માં અવસાન પામ્યા ), બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856), ત્રીજું લગ્ન વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.

૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો. અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.

નર્મદે યુદ્ધમાં વીરતા બતાવી એ હતું સમાજસુધારણાનું ક્ષેત્ર અને અહીં એનાં હથિયાર હતાં એની કલમ, એની નિર્ભકતા અને એની સર્જકતા. ને આ સમાજસુધારણા માટે કવિએ પોતાની નોકરી ય છોડી અને તા. ૨૩ નવેમ્બર ૧૮૮૫ ના રોજ સરસ્વતીના આ સાધકે કલમને જ આરાધ્ય બનાવી સંકલ્પ કર્યો કે ”હવે તારે ખોળે છ‍ઉં.” કવિનો આ સંકલ્પ સરળ નહોતો. તે સમયે સમાજમાં જે કુરિવાજો હતા તે તરફ કવિ દલપતરામે સરળ ભાષામાં કટાક્ષ કર્યા હતા, પણ એને સુધારવા પ્રતિબદ્ધતાથી ક્ષત્રિય થવું સહેલું નહોતું. નર્મદે આ પડકાર ઝીલી લ‍ઇ યોદ્ધાની અદાથી ગર્જના કરી. “યા હોમ કરીને પડો, ફતેહ છે આગે”. એમણે જ ગાયું છે “ડગલું ભર્યું કે ના હઠવું ન હઠવું”. આ સંકલ્પે કવિની આકરી કસોટીય કરી. પોતે જે માનતા એને આચારમાં મૂકવાની હિંમત રાખતા આ કવિએ વિધવા વિવાહ પણ કર્યો.

કવિ નર્મદ સાહિત્ય જગતમાં “અર્વાચીનોમાં આદ્ય” કહેવાયા. એમના સર્જનમાં કેવળ સમાજ સુધારણાનો લલકાર જ નથી, ભરપૂર કાવ્યતત્વ સભર કાવ્યો પણ છે. આપણી નવી ગુજરાતી કવિતાનો એ સૂર્યોદય છે. કબીરવડનું વર્ણન કરતું એમનું કાવ્ય અદ્‍ભૂત શબ્દચિત્ર છે.  “ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો નિરભયપણે, એક સરખો.” – આ સુદીર્ઘ કાવ્ય વાંચતા કવિ આપણી મન:ચક્ષુ સમક્ષ ચિત્ર ખડું કરી જાય છે.

કવિ નર્મદે આપણને અનેકવિધ સાહિત્ય સ્વરૂપોનો શુભારંભ કરી આપતાં કલમ ચલાવી છે. “ડાંડિયો” નામના સામાયિક દ્વારા પત્રકારત્વની ય દિશા ખોલી છે. એમની અમર રચના “જય જય ગરવી ગુજરાત” એ ગુજરાતની ગઇકાલ અને આજના આધારે આવનારી સંભવિત ઉજળી આવતીકાલનું ભવિષ્યકથન છે.

“અર્વાચીનમાં આદ્ય” ગણાતા વીર કવિ નર્મદની એક રચના ભૂલવા જેવી નથી. પોતાના અવસન સંદર્ભે કોઇ કવિએ આપણી ભાષામાં આવી વાણી ઉચ્ચારી નથી. ભયાવહ કલ્પના, નૈરાશ્ય, હતાશાનો અનુભવ, શોકના આંસુથી જ મૃત્યુની વાત આલેખાવી સહજ છે. જીવનના અંત સમા મૃત્યુનો પુરસ્કાર કરવો મુશ્કેલ છે. કૈંક બાકી રહી ગયાનો ભાવ જવાની પળે તીવ્રતાથી પીડે છે. આવા સમયે, આપણા આ કવિ સાવ નોખી-અનોખી કવિતા લ‍ઇને આવે છે. નર્મદના આગમન સુધી મૃત્યુ સંદર્ભે આપણને આવી કવિતા મળી નથી. ભજન પરંપરમાં તો નાશવંત જીવનની ક્ષણભંગુરતા જોતાં જીવનની અસારતા જ ગવાઇ છે, અને હરિનામ લેવામાં જ મોક્ષ! પણ, જીવનને સાધકતાથી જીવવું, કરેલા સંકલ્પપથ પર દ્‍ઢ્ઢતાથી ચાલવું, સમાધાન ન કરવા અને પ્રતિબદ્ધતાથી તમામ પડકારો સામે લડતા રહેવું એ “વીર કવિ” નું વિશેષણ સાર્થક કરે છે. આથી જ એમનું આ કાવ્ય “નવ કરશો કોઇ શોક, રસિકાં” અનોખું છે.

કવિ પોતાના મૃત્યુનો શોક ન કરવાનું સૂચવતાં લગભગ આજ્ઞા જ કરે છે : નવ કરશો કોઇ શોક. પણ પછી જે સંબોધન છે એ મહત્વનું છે : “રસિકડાં”! કવિ આ સૂચન રસિકજનોને કરે છે. કવિના શબ્દનો મહિમા રસિક ભાવિકોને હોય. કારણ કે એ કવિના ભાવને, એમના કર્મને, એમની સર્જકતાને જાણે-માણે-સન્માને! અન્યને એની કિંમત ન હોય એ સ્વાભાવિક છે. કવિને વિદાય વેળાએ કૈં અધૂરૂં રહી ગયાની અબળતા નથી. જે કૈં થ‍ઇ શક્યું એનો સંતોષ છે : “યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી”. પોતાના સાહિત્ય સર્જનથી પોતે જીવશે એવી શ્રદ્ધા ગાવી સહેલું નથી. “વીર સત્ય અને રસિક ટેકીપણું” તો દુશ્મનો ય દિલથી ગાશે! જનમ-મરણ એ તો “જગતનીમ” છે, એનું રૂદન કેવું! ગુજરાતી કવિતામાં પોતાના પ્રકારનું આ અનોખું કાવ્ય છે.

પદ્ય-ગદ્ય ગ્રંથો

નર્મદના ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી સંદર્ભોથી વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.

નિબંધગ્રંથો

એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.

મુખ્ય સંશોધન-સંપાદનો

એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.

મુખ્ય સંવાદ-સંપાદનો

‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.

આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી ૨૬, ૧૮૮૬ના રોજ ૫૨ વર્ષની વયે મુંબઇ ખાતે થયું.

1 Comment
  1. […] – કવિ નર્મદ […]

Leave a Comment

Your email address will not be published.

You may also like