રીંછ એકલું ફરવા ચાલ્યું- richh eklu farva chalyu | bear-રીંછ

રીંછ એકલું ફરવા ચાલ્યું

By EditorInChief

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ,
મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું,
નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું!

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ,
ખાવા જાતા રાણાજીએ પાડી બૂમાબૂમ!

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર,
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા,
”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા રે, આફત ટાળી મોટી.

Leave a Comment

Your email address will not be published.

You may also like