જીવન પરિચય
શૈતાનસિંહનું પૂરું નામ શૈતાનસિંહ ભાટી હતું. તેઓનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમના પિતા શ્રી હેમસિંહજી ભાટી પણ સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ હતા. શૈતાનસિંહે ૧ ઓગસ્ટ, ૧૯૪૯ના રોજ કુમાઉ બટાલિયનમાં પ્રવેશ કર્યો. ચીનના યુદ્ધમાં જેમાં મેજર શૈતાનસિંહે પોતાની શકિતનો પરિચય કરાવ્યો હતો, તે યુદ્ધ ૧૯૬૨ માં અક્સાઈ ચીન સરહદ વિવાદથી શરુ થયું હતું. ચૂશુલ યુદ્ધક્ષેત્ર સેક્ટર સરહદથી માત્ર પંદર માઇલ દૂર હતું અને તે વિસ્તાર લદ્દાખની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો હતો.
ચીનનું યુદ્ધ ભારત માટે ઘણી બાબતોમાં એક નવો પાઠ હતું. ભારતના તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ વિશ્વ શાંતિના પક્ષમાં હતા અને તેઓ વિકાસ કાર્યો પર વધુ કેન્દ્રિત હતા.
ભારત ચાઇના યુદ્ધ (૧૯૬૨)
તેઓ જૂન ૧૯૬૨માં ચીન-ભારતીય યુદ્ધ દરમિયાન, ૧૩મી કુમાઉ બટાલિયન, ચૂશુલ સેક્ટરમાં કાર્યરત હતા. બ્રિગેડની કમાન્ડ બ્રિગેડિયર ટી.એન. રૈના સંભાળી રહ્યા હતા. જ્યારે આ બ્રિગેડ જમ્મુ-કાશ્મીરથી અંબાલા પહોંચી તે પહેલાં ના તો તેઓએ બરફ જોયેલ કે ના તો પવઁતમાળાના વિષમ વાતાવરણનો. એવી પરિસ્થિતિ મા તેઓએ હવે વિશ્વના સૌથી ઠંડા વિસ્તારમાં લડવાનું હતું. તેમની સામે, ચીની સેનાને આવા યુદ્ધ ક્ષેત્રમાં લડવા માટે બહોળો અનુભવ હતો. ચીની સેના પાસે તમામ આધુનિક શાસ્ત્રો અને પુષ્કળ દારૂગોળો હતો, જયારે ભારતીય સૈનિકો પાસે એક ગોળી ચલાવી ને ફરીથી નવી ગોળી ભરવી પડે તેવા પ્રકાર ની રાઇફલો હતી, જેનાથી એક સમયે ફક્ત એક જ ગોળી ચલાવી શકાતી હતી, જેને બીજા વિશ્વ યુદ્ધ પછી નકામી જાહેર કરાઈ હતી.
હવામાન અને હથિયારની ગંભીર કહી શકાય તેવી સ્થિતિ હોવા છતાં, ૧૩ કુમાઉની ‘સી કંપનીના મેજર શૈતાનસિંહે મનોબળ ભર્યું હતું કે જો દુશ્મન તેના રેજાંગ લા આગળના ભાગે હુમલો કરશે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
દુશ્મને ચારે તરફથી ઑટોમૅટિક મશીનગન તથા મોર્ટારથી ઘેરાબંદી બનાવી હતી. ચીની સેનાએ અચાનક હુમલો કર્યો અને ખરેખર તેમને ભારે પ્રતિકારનો સામનો કરવો પડ્યો. યુદ્ધનું મેદાન દુશ્મન સૈનિકોની લાશોથી ભરેલું હતું. તેઓના ગુપચુપ હુમલાની હવે ભારતીય સૈનિકોને ખબર પડી ગઈ હતી. જ્યારે ચીની દુશ્મનનો અચાનક હુમલો નિષ્ફળ ગયો, ત્યારે તેણે રેજાંગ લા પર મોર્ટાર અને રોકેટ વડે બંકરો પર ફાયરિંગ શરૂ કરી દીધી. આવી સ્થિતિમાં કોઈ બંકર બાકી રહેવાની સંભાવના નહોતી, છતાં મેજર શૈતાનસિંહની ટુકડી ત્યાંથી પાછા વળી જવાનું નામ લેતી નહોતી.
જ્યારે સામેથી મોર્ટાર એટેક એ આગળની લાઇનને સાફ કરી દીધી, ત્યારે ચીની સેના પ્લાટુનની મધ્યમાં કેન્દ્રિત થઈ. મેજર શૈતાનસિંહ સંપૂર્ણ રીતે ઘેરાયેલા હતા અને તેઓ આ વિશે સંપૂર્ણ જાણતા હતા. તેમ છતાં તેઓ એ હિમ્મત ના હારતા ફરીથી પોતાની ટુકડીને સંગઠિત કરી અને મુખ્ય જગ્યાઓ ઉપર પાછા લડવા માટે ઉત્સાહિત કર્યા, અને પોતાની નેતૃત્વ ક્ષમતાથી સૈનિકોને વિશ્વાસ અપાવ્યો કે જ્યાં સુધીએ આપણે જીવતા છીએ ત્યાં સુધી લડીશું. આ દરમિયાન તેને એક હાથમાં ગોળી વાગી હતી અને ત્યારબાદ મશીનગનથી તેના પગમાં પણ ગોળી વાગી હતી.
આ હુમલા એ તેમને જમીન પર ધરાશાયી કરી દીધા. મેજર પાસે હવે માત્ર ગણતરીનાં યુવાનો જ હતા. તેણે મેજર શૈતાનસિંહને સલામત આશ્રયસ્થાન પર લઈ જવાની કોશિશ કરી, પરંતુ તેમને એટલી તક ન મળી. આવી સ્થિતિમાં, મેજરે સૈનિકોને આદેશ આપ્યો કે તેમને ત્યાં છોડી દે અને દુશ્મન સામે લડતા રહે. મેજર શૈતાનસિંહનો જુસ્સો જોઈને તેની બચી ગયેલી સેનાને ફરી ઉત્તેજનાથી ભરી દીધી. આખરે એક પછી એક મેજર શૈતાનસિંહના બધા સૈનિકો યુદ્ધના મેદાનમાં બલિદાન આપી ગયા. મેજર શૈતાનસિંહનો મૃતદેહ ત્રણ મહિના પછી બરફથી ઢંકાયેલ હાલતમાં મળ્યો હતો. તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા.
પરમવીર ચક્ર સન્માન
મેજર શૈતાનસિંહની બહાદુરી છેલ્લે ૧૮ નવેમ્બર ૧૯૬૨ના રોજ ચીન સામે લડતી વખતે રેજાંગ લા ફ્રન્ટમાં જોવા મળી હતી. તે ચૂશુર સેક્ટરમાં ૧૭ હજાર ફૂટની ઊંચાઈએ ચીનના દારૂગોળાથી સજ્જ ભારે સેનાનો સામનો કરી રહ્યા હતા. તે મોરચે, તેમણે અદમ્ય હિંમત, કુશળ નેતૃત્વ ક્ષમતા અને દેશ પ્રત્યેના ઊંડા સમર્પણનું ઉદાહરણ સ્થાપ્યું, જેના માટે તેમને મરણોત્તર પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા.
ચુશૂલ યુદ્ધ સ્મારક અને વીર આહીર ધામ
રેઝાંગ લા ના યુદ્ધમાં ભારત તરફથી કુલ ૧૨૦માંથી મેજર શૈતાનસિંહ સહીત ૧૧૪ સૈનિકોએ શહાદત વહોરી લીધી. આ શહાદતની સામે ભારતના રણબંકા સપૂતોએ ૧૩૦૦ ચીની સૈનિકોને ખતમ કરી નાખ્યા હતા. ભારતના આ સૈનિકોની બહાદુરીથી ભારતે રેઝાંગ લા ને ચીનના હાથમાં જતું બચાવી લીધું હતું. આજે પણ જયારે ચુશૂલ જાવ ત્યારે ચુશૂલ યુદ્ધ સ્મારક અને વીર આહીર ધામ આ નરબંકા વીર સૈનિકો ની યાદગીરી આપતા અડીખમ ઉભા છે.