કવિ દલપતરામ-kavi dalpatram | dalpatram gujarati

કવિ દલપતરામ

By EditorInChief

કવિ દલપતરામનો જન્મ ગુજરાત સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં અમૃતબા અને ડાહ્યાભાઈ ત્રવાડી ને ત્યાં  જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું.

ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો. ૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા.

૧૮૫૪માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી. પરંતુ ૧૮૫૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી સંભાળી. ૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. ૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી.

ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં કવિ નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે. જોકે કેટલાક વિશિષ્ટ સંજોગોને લીધે મધ્યકાલીનતા અને અર્વાચીનતા બન્નેના વણાટમાંથી એમની કવિતાનો દેહ બંધાયો છે. રસનો મહિમા કરવા છતાં વ્રજભાષાની કાવ્યરીતિ અને શામળની વાર્તાઓના સંસ્કારને લીધે શબ્દ અને અર્થની ચાતુરીથી કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ એમનું લક્ષ વિશેષ રહ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે સદાચાર અને નીતિનો બોધ આપતી કવિતાને એમણે સાચી માની. છતાં એમની કવિતાને અર્વાચીનતાનો રંગ લાગ્યો ફૉર્બસનાં મેળાપને લીધે. એ સંબંધથી એમનામાં પ્રાંતપ્રેમની ભાવના આવી તથા અંગ્રેજશાસન અને અંગ્રેજ સંસ્કૃતિને લીધે સમાજજીવનમાં શરૂ થયેલા પરિવર્તનને વિધાયક દ્રષ્ટિથી જોવાની ને પુરસ્કારવાની ઉદાર રુચિ કેળવાઈ. આ બે તાણાવાણાથી વણાયેલી એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દ્રષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ અને અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની.

અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ ૧૮૪૫ માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણે રચી છે. જાહેર વ્યાખ્યાનો રૂપે રચાયેલી એમની કેટલીક લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દ્રષ્ટાંતો આપી વકતવ્યને રસિક બનાવવાની એમની નેમ રહી છે. વ્યવહારુ બોધ દરેક કૃતિનું સામાન્ય લક્ષણ છે. એમાં મુખ્યત્વે દુહા-ચોપાઈના બંધવાળી ‘હિંદુસ્તાન ઉપર હુન્નરખાનની ચઢાઈ’ યંત્રોદ્યોગના આગમનને રાષ્ટ્રવિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી, ‘વેનચરિત્ર’ ને મુકાબલે નાની પણ સુગ્રથિત રૂપકકથાવાળી કૃતિ છે.રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્વ બતાવવા રચાયેલી, ગંડુરાજાની જાણીતી વાર્તાને સમાવતી ‘રાજવિદ્યાભ્યાસ’ તથા ભાવનગરના એક રાજ્વીના જીવનપ્રસંગને આલેખી એ દ્વારા રાજાના ક્ષમાગુણનો મહિમા કરતી ‘વિજ્યક્ષમા’, વડોદરાના ખંડેરાવ ગાયકવાડની રાજ્યસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી તથા કવિની ભાષાપ્રીતિને વ્યક્ત કરતી ‘ગુર્જરવાણી-વિલાપ’ વગેરે આ પ્રકારની રચનાઓ છે.

તેમની મુખ્ય કૃતિઓ કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ ૧, ૨ . નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક, સ્ત્રીસંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત, વ્રજભાષામાં – વ્રજ ચાતુરી, વ્યાકરણ – દલપત પિંગળ, કાવ્ય દોહન, બાપાની પિંપર, તાર્કિક બોધ, ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ રહ્યો છે. બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ. ઇલ્કાબ પણ મળ્યો છે. તેમનું અવસાન 25 માર્ચ -1898  ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like