Shivaji nu halardu

શિવાજીનું હાલરડું

By ysm_connect

માતા જીજાબાઈ પોતાના શૂરવીર પુત્ર શિવાજીને સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાં માંથી એક છે.

આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ

બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી.
શિવાજીને નીંદરૂ ના’વે…

પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે.
શિવાજીને નીંદરૂ ના’વે…

ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા.
શિવાજીને નીંદરૂ ના’વે…

પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર,
કાયા તારી લોહીમાં ના’શે
ઢાંકણ તે દી’ ઢાલનું થાશે.
શિવાજીને નીંદરૂ ના’વે…

ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ,
તે દી તો હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની.
શિવાજીને નીંદરૂ ના’વે…

લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ,
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા.
શિવાજીને નીંદરૂ ના’વે…

આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,
તે દી તારા મોઢડા માથે
ઘુંવાધાર તોપ મંડાશે.
શિવાજીને નીંદરૂ ના’વે…

આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે.
શિવાજીને નીંદરૂ ના’વે…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ,
તે દી તારી વીર પથારી
પાથરશે વીશ ભુજાળી.
શિવાજીને નીંદરૂ ના’વે…

આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય,
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર બંધૂકા.
શિવાજીને નીંદરૂ ના’વે…

સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ,
જાગી વે’લો આવ બાલુડા
માને હાથ ભેટ બાંધવા.
શિવાજીને નીંદરૂ ના’વે…

જાગી વે’લો આવજે વીરા!
ટીલું માના લોહીનું લેવા.
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઇ ઝૂલાવે.

બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !

 

– ઝવેરચંદ મેઘાણી

Leave a Comment

Your email address will not be published.