મૈત્રીભાવનું પવિત્ર ઝરણું - maitri bhavnu pavitra zarnu

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

By EditorInChief

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે…

દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે…

માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત ઘરું.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે…

વીર પ્રભુની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે,
વેરઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ ગાયે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે…

Leave a Comment

Your email address will not be published.

You may also like