તારી કરુણાનો કોઈ પાર નથી

તારી કરુણાનો કોઈ પાર નથી

By EditorInChief

હે કરુણાના કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.
હે સંકટના હરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.

મેં પાપ કર્યા છે એવાં,
હું તો ભૂલ્યો તારી સેવા,
મારી ભૂલોને ભૂલનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.

હું અંતરમાં થઈ રાજી,
ખેલ્યો છું અવળી બાજી,
અવળી સવળી કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.

હે પરમ કૃપાળુ વ્હાલા,
મેં પીધા વિષના પ્યાલા,
વિષને અમૃત કરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.

કદી છોરુ કછોરું થાયે,
પણ તું માવતર કહેવાયે,
મીઠી છાયાના દેનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.

મને જડતો નથી કિનારો,
મારો ક્યાંથી આવે આરો,
મારી નાવના ખેવણહારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.

છે જીવન મારું ઉદાસી,
તું શરણે લે અવિનાશી,
મારા દિલમાં હે રમનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like