એક નાની બંધ બારી ઊઘડે છે,
આભની ઊંચી અટારી ઊઘડે છે.
આંખ જાણે પાંખ ફફડાવી રહી છે,
ને નજર પણ એકધારી ઊઘડે છે.
કેદ પરદામાં થયું છે એ જ જોવા,
જાત આખી કેમ તારી ઊઘડે છે?
રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે,
એમ સપનાંની સવારી ઊઘડે છે.
સૂર્યનાં કૂણાં કિરણનો હાથ ઝાલી,
મ્હેકતી એ ફૂલકયારી ઊઘડે છે.
કોઇ સોનામહોર જેવાં ધણ વચાળે,
મૂળમાંથી માલધારી ઊઘડે છે!
એ જ સોનેરી સમયને સાદ દેવા,
યાદની પાલવકિનારી ઊઘડે છે.