મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.
એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જયવંતા કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ માં થયો હતો. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મુગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા.
દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા પરંતુ મહારાણા પ્રતાપ ની વીરતા અને માતૃભૂમિ પ્રત્યેની ભાવના સામે અકબરનું બળ કામ ના આવ્યું. જિંદગીના કપરા દિવસોમાં ભામાશાહ નામના વાણીયાએ મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું. આ અનુદાન આપીને ભામાશાહ અમર થઈ ગયા. જિંદગીના અંત સુધી ચોમેર ઝળહળતી મોગલ સલ્તનતને તેમણે ક્યારેય માથું ના નમાવ્યું. તેમણે એકલપંડે મોગલ સલ્તનતના દાંત ખાટા કર્યા હતા.
ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ આધીન પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ ઇસ. માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા . મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું આધિપત્ય સ્થાપિત થઈ ગયું.
મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ એ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.
શાસન કાળ | ૧૫૬૮-૧૫૯૭ |
જન્મ | મે ૯, ૧૫૪૦ (જેઠ સુદ ત્રીજ) |
જન્મ સ્થળ | પાલી, રાજસ્થાન |
અવસાન | જાન્યુઆરી ૨૯, ૧૫૯૭ |
પૂર્વગામી | મહારાણા ઉદય સિંહ (બીજા) |
વંશ/ખાનદાન | સૂર્યવંશી,રાજપુત |
પિતા | મહારાણા ઉદય સિંહ (બીજા) |
માતા | મહારાણી જયવંતાબાઈ |
ધર્મ | હિંદુ |
મહારાણા પ્રતાપ વિશેની અજાણી વાતો
- મહારાણા પ્રતાપને કુલ ૧૧ રાણીઓ હતી જેમાં મહારાણી અજબદે પુંવર તેમના માનીતા રાણી હતા. ૧૧ રાણીઓથી તેમને કુલ ૧૬ પુત્ર અને ૨ પુત્રીઓ હતી.
- તે ૭ ફૂટ ૫ ઇંચની ભવ્ય ઉંચાઈ ધરાવતા હતા
- રણમેદાનમાં તે લગભગ ૩૬૦ કિલોનું વજન ઉંચકી ને યુદ્ધ કરતા, જેમાં તેમના ભાલાનું વજન ૮૦ કિલો બે તલવારનું વજન ૨૦૮ કિલો અને તેમના બખ્તરનું વજન લગભગ ૭૨ કિલો હતું, તેમનું પોતાનું વજન ૧૧૦ કિલો કરતા વધારે હતું.
- મહારાણા પ્રતાપ ઉદયસિંહના સૌથી મોટા પુત્ર હતા
- મહારાણા પ્રતાપની સાવકી માતા રાણી ધીરબાઈ શરૂઆતમાં કુંવર જગમલ સિંહને મેવાડનો રાજા બનવા માંગતી હતી, જ્યારે મુગલ સમ્રાટ અકબર દ્વારા ઉદયસિંહને પરાજિત કર્યા બાદ લાંબી ચર્ચા અને સંઘર્ષ પછી કુંવર જગમલને પદ માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું અને તેથી મહારાણા પ્રતાપને શાસક બનાવવામાં આવ્યા.
- પાછળથી કુંવર જગમાલસિંહે તેના બે ભાઈઓ શક્તિસિંહ અને સાગર સિંહ સાથે મુગલ બાદશાહ અકબરની સાથે મળી ગયો.
- એવું કહેવામાં આવે છે કે હલ્દિઘાટીના યુદ્ધમાં, મહારાણા પ્રતાપે મોગલ સરદાર બેહલોલ ખાનને તલવારના એક ઝાટકે તેના ઘોડા સાથે બે ભાગમાં કાપી નાખ્યો હતો.
- એક યુદ્ધ દરમિયાન, ઝાલા માન જેની મહારાણા પ્રતાપ સાથે ગાઢ સામ્યતા હતી તેમને મહારાણા પ્રતાપનો તાજ પહેરેલો હતો અને મુગલોએ ઝાલા માનને મહારાણા પ્રતાપ હોવાની ગેરસમજથી હુમલો કર્યો અને તે યુદ્ધમાં ઝાલા માનને મારી નાખ્યો હતો. ઝાલા માન પોતે જ હતા જેમણે પ્રતાપને યુદ્ધના મેદાનમાંથી બહાર નીકળવાની સલાહ આપી હતી.
- મહારાણા પ્રતાપને પકડવાનું અકબરનું સપનું હતું પણ તે તેમના જીવનકાળમાં સફળ થઈ શક્યો નહીં. ગોગુંદા સહિતના તમામ રાજપૂત રાજવંશ અને બુંદીએ અકબરને શરણાગતિ સ્વીકારી હોવા છતાં પણ પ્રતાપ ક્યારેય અકબર સામે નમ્યો ના હતો.
- ચિત્તોડને મુક્ત કરવાનું તેનું સપનું હતું અને તેથી તેણે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ચિત્તોડ ને મુક્ત નહિ કરાવે ત્યાં સુધી તે પતરાળ માં ભોજન કરશે અને ઘાસની પથારી પર જ સુઈ જશે. આજે પણ કેટલાક રાજપૂતો સુપ્રસિદ્ધ મહારાણા પ્રતાપના સન્માનમાં તેમની પથારીની નીચે એક પાન પોતાની પથારીની નીચે મૂકે છે.
- મહારાણા પ્રતાપ જયારે જંગલ માં સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમના પાસે ખાવા માટે કઈ જ ન હતું, એક સમયે ઘાસની રોટલી એક જંગલી બિલાડી તેમની પુત્રી પાસેથી છીનવી ને ભાગી જાય છે. આ કરુણ ઘટના પછી મહારાણા પ્રતાપએ અકબરની સામે શરણાગતિ લેવાનું વિચાર્યું અને આ જ બાબતે તેમને પત્ર લખ્યો. અકબર પત્ર વાંચીને ખૂબ આનંદ થયો અને તે પૃથ્વીરાજને આપ્યો જે રાજપૂત કવિ અને યોદ્ધા હતા. કાવ્યાત્મક રીતે, તેમણે પ્રતાપને લખેલા પત્રમાં અકબરથી હાર ન સ્વીકારવાની વાત કરી હતી. ત્યારબાદ તેમણે અકબર સામે લડવાનું ચાલુ રાખ્યું.
- મહારાણા પ્રતાપના વફાદાર ઘોડા ચેતક વિશે આપણે બધા જાણીએ છીએ. પરંતુ મહારાણા પ્રતાપ પાસે એક હાથી પણ હતો જેનું નામ રામપ્રસાદ હતું. જેણે યુદ્ધમાં મુગલ સૈન્યને કચડી નાખ્યું હોવાનું કહેવાય છે. રામપ્રસાદએ યુદ્ધમાં બે હાથીઓને મારી નાખ્યા, અકબરે પોતાના દળને કોઈપણ કિંમતે રામપ્રસાદ પકડવાનો આદેશ આપ્યો અને તે માટે ૭ હાથીઓને રામપ્રસાદને પકડવા મોકલવામાં આવ્યા. રામપ્રસાદને કેદ કરીને મુગલ છાવણીમાં રાખવામાં આવ્યો. પરંતુ તેની નિષ્ઠા હંમેશા તેમના માલિક, મહારાણા પ્રતાપની હતી અને તેથી તેણે કાંઈ ખાધું નહીં, પાણી પીધું નહીં અને તેની કેદ થયાના ૧૮ મા દિવસે તે મૃત્યુ પામ્યો.
- એકવાર કુંવર અમરસિંહે મુગલ સૈન્યના સેનાપતિ એવા અબ્દુલ રહીમ ખાનખાનાની છાવણી પર હુમલો કર્યો અને તેની પત્નીઓ અને મહિલાઓને બંધક બનાવીને લઈ ગયા. જ્યારે મહારાણા પ્રતાપને તેની કૃત્યની ખબર પડી ત્યારે તેમણે કુંવર અમરસિંહને ઠપકો આપ્યો અને બધી મહિલાઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. અબ્દુલ મહારાણાના કૃત્ય માટે ખૂબ આભારી હતા અને ત્યારબાદથી મેવાડ સામે એક પણ યુદ્ધ નહિ કરવાની ખાતરી આપી હતી. અબ્દુલ રહીમ ખાનખાના એ બીજુ કોઈ નહીં પણ રહીમ હતા જેની દોહે અને કવિતાઓ ખુબ જ સુપ્રસિદ્ધ છે.
- મહારાણા પ્રતાપ તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા યુદ્ધ લડ્યા, પરંતુ જીવનના અંતિમકાળ દરમિયાન તેઓ બાણની પણછ બાંધતા ઇજાગ્રત થયા અને થોડી માંદગીના અંતે તેઓ મૃત્યુ પામ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુના સમાચારથી અકબર પણ રડી પડ્યો હતો.