Mothers Day | Mother Daughter |

જનની ની જોડ સખી નહી જડે રે લોલ

By EditorInChief

૮ માર્ચને માતૃ દિન(Mothers day) તરીકે ઉજવવામાં આવે છે.

૧૧ એપ્રિલ દિવસને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે…
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.

– દામોદર ખુશાલદાસ બોટાદકર

Leave a Comment

Your email address will not be published.

You may also like